Welcome To Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera
એક વાર પૃથ્વી ઉપર જળપ્રલય આવ્યો.તેવા સમયે ધર્મારણ્યમાં ‘શિવશર્મા’ નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે જળપ્રલય જૉઇને પોતાની પત્ની ‘સુશીલા’ને સાથે લઇ લાકડાનો તરાપો બનાવીને ‘ત્રિશંકુ’ પર્વત ઉપર જતો રહ્યો.ત્યાં તેની પત્નીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.કાળક્રમે બાળક થોડો મોટો થયો.એવામાં બ્રાહ્મણનું અવસાન થયું.તેની પત્ની પણ બાળકને ભગવાનના સહારે મૂકીને સતી થઇ.થોડા સમય પછી બાળક કલ્પાંત કરવા લાગ્યો.તેનું કલ્પાંત સાંભળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા. તેઓ બાળકને સાથે લઇને જતા રહ્યા.બાળકને ત્રણ દેવનું જ્ઞાન આપ્યું.બાળક મોટો થતાં એક દેવકન્યા સાથે તેનાં લગ્ન કર્યા.આ બ્રાહ્મણના ત્યાં ત્રણ પુત્રોનો જન્મ યો. તેઓનું નામ ‘દેવશર્મા’, ‘બ્રહ્મશર્મા’ તથા ‘વિષ્ણુશર્મા’ પાડયું. આ ત્રણેય પુત્રોના ત્યાં આઠ આઠ પુત્રોનો જન્મ થયો. આમ કુલ ૨૪ બન્યા.તેમનો વંશ કુલ ૧૮૦૦૦ બન્યા.આમ ત્રણ વેદો ભણવાથી ત્રૈવેદ મોઢ બન્યા તથા કુલ ૨૪ સંખ્યાથી ચાતુર્વેદીય મોઢ બન્યા.તેમણે ધર્મારણ્યની પૂર્વમાં ધર્મેશ્વરની સ્થાપના કરી, પિશ્ચમમાં સૂર્યમંદિર,ધર્મકૂપ, સૂર્યકુંડ તથા દક્ષિણ દરવાજે ગણપતિની સ્થાપનાઓ કરી. બ્રહ્માજીએ આ બ્રાહ્મણોની રક્ષા માટે ગાયની ખરીમાંથી ‘ગોભવા’ નામે વૈશ્યો તથા ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા.આજે પણ મોઢેરાની પાસે ‘ગાંભુ ગામ છે.આમ બ્રાહ્મણ, વૈશ્ય તથા ક્ષત્રિય મોઢ ઉત્પન્ન થયા.
કાળક્રમે વિધર્મીઓના હાથથી માતાજીની મૂર્તિને બચાવવા બ્રાહ્મણોએ માતાજીને ‘વાવ’માં પધરાવ્યાં.વિધર્મીઓની ધર્મભ્રષ્ટ નીતિથી બચવા ધર્મારણ્યના બ્રાહ્મણોએ ગુજરાત,સૌરાષ્ટ્ર,ઇંદોર,ભોપાલ,ઉજજૈન વગેરે અલગ અલગ સ્થળોએ પોતાનો વસવાટ કર્યો. ગાયકવાડે રામરાજયની સ્થાપના કરી ત્યારબાદ તેમની મંજૂરી મેળવી ઇ.સ.૧૯૬૨માં માતાજીનો જીર્ણોદ્ધાર શરૂ થયો. ઇ.સ.૧૯૬૬માં મહા સુદ, ૧૩ના દિવસે માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઇ ધર્મશાળા,કોટ, સિંહદ્વારનું નિર્માણ થયું.
|| જય માં મોઢેશ્વરી ॥